Mar 27, 2015

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની ર૪૬ જગ્યા ખાલી

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની ર૪૬ જગ્યા ખાલી

ભુજ:  કચ્છની પ્રાથમિક શાળાઓમાં હાલ મુખ્ય શિક્ષકોની લગભગ ર૪૬ જગ્યાઓ ખાલી પડી છે, જેના કારણે શાળાનાં વહીવટ અને શિક્ષણ પર તેની આડઅસર વર્તાઈ રહી છે. ખાલી જગ્યાઓમાં સીધી ભરતીથી નિમણૂક કરવાની થતી ૧ર૬ અને બઢતીથી ભરવાની થતી ૧ર૦ જગ્યા ખાલી પડી છે, ત્યારે સીધી ભરતીની ખાલી પડેલી જગ્યાઓમાંથી સંભવતઃ અડધી જગ્યાઓ એપ્રિલ માસનાં પ્રથમ સપ્તાહમાં જ ભરાઈ જાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે, પરંતુ બઢતીથી ભરવાની થતી જગ્યાઓ હજુ પણ લાંબા સમય સુધી ખાલી રહે તેવી શક્યતા સંબંધિતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. જાણકારોનાં મતે કચ્છમાં ફરજ બજાવી રહેલા શિક્ષકો પૈકીનાં મોટા ભાગનાં શિક્ષકોને વિવિધ કારણોસર મુખ્ય શિક્ષક બનવામાં વધુ રસ જણાતો નથી. કચ્છની ભૌગોલિક પરિસ્થિતિનાં કારણે સરકારનાં પ્રયાસો પછી પણ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓનું ગ્રહણ દૂર થતું નજરે પડતું નથી. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં હાલ મુખ્ય શિક્ષકની ર૪૬ જગ્યા ખાલી પડી છે, જેમાં બઢતીની ભરવાની થતી જગ્યાઓ માટે ગત ડિસેમ્બર માસમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતીનો પ્રયાસ કરાયો હતો, પરંતુ એચટાટ પાસ કરનારા શિક્ષકોમાંથી અડધો-અડધે કેમ્પમાં સ્થળ પસંદગી ન કરી જેના કારણે જે તે સમયે જૂજ સંખ્યામાં જગ્યા જ ભરાઈ હતી, જે દર્શાવે છે કે, શિક્ષકોને આચાર્ય બનવામાં વધુ રસ નથી. બીજીતરફે રાજ્યમાં મુખ્ય શિક્ષકની ર૪૬૭ જગ્યાઓની સીધી ભરતી માટે પ્રક્રિયામાં કચ્છની પસંદગી કરનારા ઉમેદવારો માટે સંભવત એપ્રિલ મહિનાની છઠ્ઠી તારીખનાં nભુજમાં સ્થળ પસંદગી કેમ્પનું આયોજન થવાનું છે, ત્યારે હવે સીધી ભરતીથી મુખ્ય શિક્ષકો ભરવાના તબક્કામાં કેટલી જગ્યા ભરાય છે તે જોવાનું રહે છે.