Mar 27, 2015

શિક્ષકો પાસે બિનશૈક્ષણિક કામ લેવાનું ગેરબંધારણીય

શિક્ષકો પાસે બિનશૈક્ષણિક કામ લેવાનું ગેરબંધારણીય
અલ્‍હાબાદ હાઇકોર્ટ મહત્‍વનો ચૂકાદોઃ રાજય સરકારે લાખો શિક્ષકોને રેશનકાર્ડની ચકાસણીનું કાર્ય સોંપ્‍યુ હતુ, જેને કોર્ટે ગેરકાનૂની ગણાવ્‍યું: ચૂંટણી ડયૂટી, વસ્‍તી ગણતરી કે કુદરતી આફતને બાદ કરતા કોઇપણ બિનશૈક્ષણિક કાર્યમાં શિક્ષકોને જોતરી ન શકાયઃ કોર્ટનું તારણ
  અલ્‍હાબાદ હાઇકોર્ટે પ્રદેશની પ્રાથમિક અને જુનીયર હાઇસ્‍કુલોના અધ્‍યાપકોને રેશનકાર્ડની ચકાસણીનું કામ સોંપવાની બાબતે ખોટુ ઠેરવ્‍યુ છે. કોર્ટે કહ્યુ છે કે, અધ્‍યાપકોને બિનશૈક્ષણિક કાર્યોમાં લગાવી ન શકાય. તેઓની પાસે વસ્‍તી ગણતરી, ચૂંટણી ડયુટી કે આફતને બાદ કરતા અન્‍ય કોઇ બિન શૈક્ષણિક કાર્યમાં જોતરી શકાય નહી.
   આ આદેશ મુખ્‍ય ન્‍યાયમુર્તિ ડો.ડીવાઇ ચંદ્રચુડ અને ન્‍યાયમુર્તિ પીકેએસ બધેલની ખંડપીઠે અરજી કરતા સુનિતા શર્માની અરજીને સ્‍વીકાર કરતા આપ્‍યો છે. કોર્ટે કહ્યુ છે કે, મુખ્‍ય સચિવના પરિપત્રમાં અધ્‍યાપકોને રેશનકાર્ડની ચકાસણીમાં લગાવવાનો ઉલ્લેખ નથી. જિલ્લા પુરવઠા અધિકારી અલ્‍હાબાદે પરિપત્ર બહાર પાડી અધ્‍યાપકોને રેશનકાર્ડની ચકાસણીમાં લગાવ્‍યા અને તેમની પાસે રજી ફેબ્રુઆરીથી ર૭મી ફેબ્રુઆરી સુધી કામ કરાવ્‍યુ. કોર્ટે સરકારના એ તર્કને યોગ્‍ય ન ગણ્‍યો જેમાં કહેવાયુ હતુ કે, અધ્‍યાપકોને ચકાસણીના કાર્યમાં સ્‍કુલના સમયગાળા બાદ લગાવવામાં આવ્‍યા હતા. આનાથી શિક્ષણ કાર્યને કોઇ અસર નથી થઇ. કોર્ટે કહ્યુ છે કે, અધ્‍યાપકો પાસે ચકાસણીનું કાર્ય કરાવી ન શકાય. કોર્ટે કહ્યુ છે કે, અધ્‍યાપકોને રેશનકાર્ડના કામમાં લગાવવાથી બંધારણની કલમ-ર૧ (એ) અને અનિવાર્ય શિક્ષા કાનૂન ર૦૦૯ હેઠળ ૬ થી ૧૪ સુધીના બાળકોના શિક્ષા મેળવવાના અધિકારનું ઉલ્લંઘન થાય છે. સાથોસાથ અનિવાર્ય શિક્ષણ ઉપલબ્‍ધ કરાવવાનું રાજયની બંધારણીય જવાબદારી છે. એવામાં અધ્‍યાપકોને રેશનકાર્ડની ચકાસણીમાં લગાવવાનું ગેરબંધારણીય છે. આનાથી રાજયના ૪ લાખ શિક્ષકોને રાહત મળી છે કારણ કે હાઇકોર્ટે પ્રાથમિક અને જુનીયર હાઇસ્‍કુલના શિક્ષકોને અભ્‍યાસ ઉપરાંત બીજુ કોઇ નહિ આપવાનો નિર્દેશ આપ્‍યો છે.
    અરજીકર્તાના વકીલ વિજયચંદ્ર શ્રીવાસ્‍તવે કહ્યુ હતુ કે, શિક્ષકોને સમગ્ર વર્ષ કોઇને કોઇ કાર્યમાં વ્‍યસ્‍ત રખાઇ છે. જેનાથી શિક્ષકોને પરેશાનીનો પણ સામનો કરવો પડે છે. શિક્ષકોને આવા કામમાં લગાવવાથી બાળકોના શિક્ષણ ઉપર પણ ખરાબ અસર પડે છે.